“પ્રેમ, સમજણ અને સંબંધની હકીકત”

શાલિની અને જયની લવ મેરેજ હતી. લગ્ન પહેલા તેમનો સંબંધ ખૂબ જ અલગ હતો. પ્રેમની શરૂઆતમાં બધું જ સારું લાગતું – રોજ મળવું, કલાકો સુધી વાતચીત કરવી , નાની-નાની બાબતોમાં એકબીજાને સરપ્રાઇઝ આપવું. શાલિનીને જયના મેસેજ અને ફોનની મીઠી ટેવ પડી ગઈ હતી. જય દરેક કામ કરતા પહેલા શાલિનીના અભિપ્રાય પૂછતો. પ્રેમ હતો, લાગણીઓ હતી અને સાથે જીવવાની તીવ્ર ઇચ્છા પણ.લગ્નના બે વર્ષ પછી, આ બધું ધીમે-ધીમે બદલાવા માંડ્યું. જય વ્યસ્ત થવા લાગ્યો, શાલીનીની ફરિયાદો વધારવા માંડી. જયે નોકરીમાં પ્રગતિ કરી, કામમાં વ્યસ્ત થવા લાગ્યો અને એકબીજા માટે સમય આપવાનું ઘટવા લાગ્યું . શાલિનીએ જય પાસેથી પહેલાની જેમ પ્રેમ અને ધ્યાન અપેક્ષિત રાખ્યું, જયે વિચાર્યું કે હવે જીવનની હકીકત અલગ છે. જેના લીધે જે સંબંધ પહેલા સરળ હતો, એ જ હવે મુશ્કેલ બનવા લાગેલો .ઘણીવાર વધુ પડતી અપેક્ષાઓ સંબંધોમાં તિરાડ પડવાનું મુખ્ય કારણ બની જાય છે . લોકો સમય સાથે બદલાઈ શકતા નથી. શાલિનીની અપેક્ષાઓ ખોટી ન હતી પણ જયની મનોસ્થતી સમજી તેની સાથે તાલમેલ રાખી શક્તિ હતી નહિ. સવારે થયેલી કોઈ વાતચીત આખા દિવસ તેના મનમાં ઘુમરાયા કરતી અને જેવવો જાય ઘરે આવે તે અકળાઈ જતી. ત્યારે જયનો મૂડ પણ કંટ્રોલમાં રહેતો નહિ અને સામે એ પણ ગુસ્સે થઇ જતો.

શાલિની માટે પ્રેમ એટલે રોજ સમય આપવો, મીઠી વાતો કરવી, એકબીજાની સાથે નજીક રહેવું. જય માટે પ્રેમ એટલે સમર્થન, એકબીજાની ઉન્નતિ માટે પ્રયત્ન કરવો. જયે વિચાર્યું કે તે શાલિની માટે મહેનત કરે છે, પણ શાલિનીને લાગ્યું જય હવે બદલાઈ ગયો છે .વારંવાર થતી તકરારને કારણે તેમના વચ્ચે સંવાદનો અભાવ થવા લાગ્યો. જેને લીધે કમ્યુનિકેશન ઘટ્યું અને મિસઅંડરસ્ટેન્ડિંગ વધી .
શાલિની થોડી ઉદાસ રહેવા લાગી. જયે પૂછ્યું નહીં, અને શાલિનીએ કહ્યું નહીં. આ મૌનના કારણે એક અંતર ઉભું થયું. સંબંધમાં મૌન એ સૌથી મોટી ખામી છે.

શાલિની માટે પ્રેમ ફક્ત શારીરિક નિકટતા નહોતો, પણ લાગણીઓ હતી . જય માટે શારીરિક સ્નેહ એક પ્રકારનું લાગણીઓ દર્શાવવાનો રસ્તો હતો. જ્યારે બંને વચ્ચે સમજણ ઘટી, ત્યારે નિકટતા પણ ઓછી થઈ.

એક રાત્રે શાલિનીએ કહ્યું, “મારા માટે પ્રેમ માત્ર તારા સમય પર આધાર રાખતો નથી, પણ તું મારી લાગણીઓ સમજતો હોય એ પણ મહત્વનું છે.” જયે પણ કહ્યું, “હું તને પ્રેમ કરું છું, પણ ક્યારેક વ્યસ્ત રહેતો હોઉં છું.” આ એક સંવાદ ના લીધે બંને વચ્ચે બનતી જતી દીવાલ તૂટી.

જયે નક્કી કર્યું કે ભલે વ્યસ્ત હોય, પણ રોજે-રોજ શાલિની માટે થોડો સમય કાઢશે. શાલિનીએ પણ સમજ્યું કે ક્યારેક જીવનની પરિસ્થિતિઓ બદલાય, પણ પ્રેમના ભાવ બદલાતા નથી.

કોઈપણ સંબંધની સ્થિરતા બંને પાત્રો વચ્ચેની ઇન્ટિમસી ઉપર આધાર રાખે છે . અન્ડસ્ટૅન્ડિંગ અને ઈન્ટીમસિ વધે ત્યારે સંબંધોની મજબૂતાઈ આપોઆપ વધે છે .

મૂડ મંત્ર:

પ્રેમ ક્યારેય બદલાતો નથી બદલાય છે તો એકબીજાને સમજી શકવાની સમજશક્તિ .